ઓસ્ટ્રેલિયામાં 60 ટકા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ કોરોનાવાઇરસ દરમિયાન નોકરી ગુમાવી

રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, કોરોનાવાઇરસની સૌથી વધુ અસર ટેમ્પરરી વિસાધારકોને પડી છે. 60 ટકા લોકોએ નોકરી ગુમાવી, આર્થિક મુશ્કેલીના કારણે 43 ટકાએ એક સમયનું ભોજન છોડ્યું.

Food Vouchers Distributed To International Students Impacted By Coronavirus In Melbourne

International students line up for the Our Shout food voucher scheme outside the Melbourne Town Hall. Source: Getty Images AsiaPac

કોરોનાવાઇરસ મહામારીની ઓસ્ટ્રેલિયાના વિવિધ ક્ષેત્રો પર ભારે અસર પડી છે. અને ઓસ્ટ્રેલિયા આવીને અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેનો સૌથી વધુ ભોગ બન્યા છે.

વાઇરસનું સંક્રમણ રોકવા માટે સરકારે વિવિધ પ્રતિબંધો અમલમાં મૂક્યા અને તેના કારણે કેટલાક વેપાર – ઉદ્યોગોને બંધ કરવાની ફરજ પડી. જેથી પાર્ટ ટાઇમ નોકરી કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોકરી છૂટી ગઇ છે.

સરકારી સહાય મેળવવામાં પણ તેઓ અસમર્થ હોવાના કારણે હાલમાં તેઓ ભારે નાણાકિય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સિડનીમાં રહેતી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી રેનાતાએ જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી જ તેની નોકરી છૂટી ગઇ છે. અને હાલમાં તેણે તેના સાથીદારની આવક પર જીવનનિર્વાહ કરવો પડે છે.

ટેમ્પરરી માઇગ્રન્ટ્સને શોષણની શક્યતા

આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ હાલમાં નોકરીની શોધમાં છે જેનો ફાયદો નોકરીદાતા ઉઠાવે અને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે.
Renata
Renata perdeu o emprego durante a pandemia do coronavírus. Source: Catalina Florez/SBS News
રેનાતાએ જણાવ્યું હતું કે, તેને સિડનીમાં એક કેફેમાંથી નોકરી માટે ફોન આવ્યો હતો અને તેને પાંચ કલાક મફતમાં કાર્ય કરવા જણાવ્યું હતું,

જો તે નોકરી માટે પસંદ થાય તો તેને કલાક દીઠ 17 ડોલરની ચૂકવણી કરવામાં આવશે જ્યારે ઓસ્ટ્રેલિયાની કલાક દીઠ રાષ્ટ્રીય લઘુત્તમ આવક 19.84 ડોલર છે.

રેનાતાએ ત્યાર બાદ ફેર વર્ક ઓમ્બુડ્સમાનમાં ફરિયાદ કરી છે.

5000 ટેમ્પરરી માઇગ્રન્ટ્સ પરના સર્વેનું તારણ

Unions NSW એ માર્ચ અન મે મહિના દરમિયાન 5000 જેટલા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ પર સર્વે કર્યો હતો. જેમાંથી 67 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હતા.

સર્વેના તારણ પ્રમાણે, કોરોનાવાઇરસ મહામારીની સૌથી વધુ અસર તેમની પર પડી છે.

જે અંતર્ગત...

  • 65 ટકા લોકોએ મહામારી દરમિયાન તેમની નોકરી ગુમાવી છે.
  • 39 ટકા લોકો પાસે તેમના સામાન્ય ખર્ચ માટે પૂરતા નાણા નથી.
  • 34 ટકા લોકો અગાઉથી જ ઘરવિહોણા છે અથવા તેમની પાસે ઘરનું ભાડું ભરી શકે તેટલું ફંડ નથી.
  • 23 ટકા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ તેમનો રૂમ અન્ય વ્યક્તિ સાથે વહેંચી રહ્યા છે જેથી તેમને ઓછું ભાડું ભરવું પડે.
  • 43 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે નાણાતંગી હોવાના કારણે તેઓ એક સમયનું ભોજન છોડવું પડ્યું હતું.
Unions NSW ના સેક્રેટરી માર્ક મૂરીએ જણાવ્યું હતું કે, કોઇ પણ પ્રકારની મદદ નહીં મેળવી શકવાના કારણે ટેમ્પરરી માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલી જ નહીં પરંતુ શોષણનો પણ સામનો કરી રહ્યા છે.

ટેમ્પરરી માઇગ્રન્ટ્સ અહીં ટેક્સ ભરે છે, અહીંના અર્થતંત્રમાં પોતાનો ફાળો આપે છે અને હાલમાં તેમને યોગ્ય મદદ મળતી નથી. જે ખૂબ જ નિરાશાજનક છે.

યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડનીના એસોસિયેટ પ્રોફેસર લૌરી બર્ગે જણાવ્યું હતું કે, 3000 જેટલા ટેમ્પરરી માઇગ્રન્ટ્સે આગામી સમયમાં તેમને વધુ નાણાકિય સમસ્યાનો સામનો કરવો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

વિવિધ દેશોએ ટેમ્પરરી માઇગ્રન્ટ્સને મદદ કરી

કોરોનાવાઇરસની મહામારી દરમિયાન યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, આયર્લેન્ડ જેવા દેશોએ ટેમ્પરરી વિસાધારકોને આર્થિક મદદ કરી હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયામાં રહેતા ટેમ્પરરી વિસાધારકોને કોઇ મદદ પ્રાપ્ત થઇ નહોતી.

લૌરી બર્ગે ઉમેર્યું હતું કે, કોરોનાવાઇરસ મહામારી દરમિયાન ટેમ્પરરી માઇગ્રન્ટ્સને પડી રહેલી મુશ્કેલીઓ બાદ ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સ્તરે છાપ પર અસર થઇ રહી છે.
59 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વર્કિંગ હોલીડે વિસાધારકોએ જણાવ્યું હતું કે કોરોનાવાઇરસની મહામારી દરમિયાન થયેલા અનુભવો બાદ તેઓ અન્ય લોકોને ઓસ્ટ્રેલિયા આવીને અભ્યાસ કરવા માટે નહીવત્ત પ્રમાણમાં ભલામણ કરશે.

જો જોબકિપર અને જોબસિકર યોજનામાં ટેમ્પરરી માઇગ્રન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવે તો સરકારને આગામી છ મહિના સુધી વધુ 20 બિલિયન ડોલરનો બોજ પડી શકે તેમ છે.

ટેમ્પરરી માઇગ્રન્ટ્સને સુપરએન્યુએશન ઉપાડવાની સુવિધા

એક્ટીગ ઇમિગ્રેશન મિનિસ્ટર એલન ટજે SBS News ને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે ટેમ્પરરી માઇગ્રન્ટ્સને તેમનું સુપરએન્યુએશન ઉપાડવાની છૂટ આપી હતી. આ ઉપરાંત, તેમને વિસાની શરતોમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

વર્તમાન સમયમાં અમારી પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સને મદદ કરવાની છે, તેમ મંત્રી ટજે ઉમેર્યું હતું.


Share
Published 17 August 2020 1:06pm
By Catalina Florez
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends