મોર્ગેજ (ગીરો)ની ચિંતાને દૂર કરવા 5 સૂચનો

આજકાલ મકાન ખરીદવા મોટાભાગે લોકો મોર્ગેજ(ગીરો) કે લોન લેતા હોય છે. આ લોન લેતા પહેલા એ જાણવું જરૂરી છે કે વ્યક્તિની પહોંચ કેટલી છે અને ક્યા અજાણ પરિબળો છે જે લોનની ભરપાઈમાં વિઘ્નો પેદા કરી શકે છે.

House

Source: Pixaby CC0 Creative Commons

આજકાલ ઘણા ઓસ્ટ્રેલિયનોને લોનની ભરપાઈ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેની પાછળ વ્યાજદરોમાં વધારો અને આવકના સમાન દરને જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

હાલમાં ડિજિટલ ફાઇનાન્સ એનાલિટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલ અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ 2018માં મોર્ગેજ - લોનના તણાવથી પ્રભાવિત પરિવારો (હાઉસહૉલ્ડ)ની સંખ્યા 990,000 થી વધીને 996,000 થઇ છે.  એક અંદાજ મુજબ કુલ ઋણ લેનાર પરિવારોમાંના 30 ટકા જેટલા મકાન માલિકો મોર્ગેજ - લોનની  ભરપાઈ અંગે ચિંતિત છે.

આ અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયામાં એવા એવા પરિવારો પણ છે કે  જે પોતાની આવક માંથી મોર્ગેજ - લોનની ચુકવણી નથી કરી શકતા અને ઘણા પરિવારો માટે વસ્તુઓ કે ઘર વેચવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે.
Applying Fora TFN
Source: Flickr - Ken Teegardin (CC BY-SA 2.0)
AFRમાં પ્રકાશિત લેખ મુજબ, જો સરકારી અને બેંકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે તો સામાન્ય રીતે  પ્રોપર્ટી કે મકાન ખરીદનાર સામાન્ય આવક ધરાવતા પરિવાર દ્વારા લોન પર જે વ્યાજ ચુકવવામાં આવે છે તે તેમની  ડીસ્પોસેબલ આવક (આવક વેરો ભર્યા બાદ બચતી આવક કે રકમ) કરતા વધુ છે. 

આ લેખમાં આગળ જણાવાયું છે કે બેંકો દ્વારા આ વધતા ઋણના દબાણ સામે પગલાં લેવાઈ રહ્યા છે, જે મુજબ ઋણ આપવાની શરતો અને વ્યક્તિની મોર્ગેજ - લોન ભરપાઈ સમીક્ષા કરવાની પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવી છે.

એક્સેલ ફાઇનાન્શિયલ સોલ્યુશનના ડિરેક્ટર બીરેન જોશી જણાવે છે કે પરિવારોમાં મોર્ગેજ - લોનના તણાવ કે ચિંતા પાછળ ઘણા કારણો છે.
"આ પાછળના કારણો જેમકે, કેટલાક પ્રકારના મોર્ગેજના દરોમાં વધારો થવો, કાઉન્સિલના નવા દર, વધતી જતી મોંઘવારી અને સમાન આવક ધોરણના કારણે પરિવારો (આર્થિક રીતે) પ્રભાવિત થયા છે. " - બીરેન જોશી
તેઓ ઉમેરે છે કે કેટલાક વિસ્તારોમાં -  ઓછી આવક, બેંકો દ્વારા વધારવામાં આવેલ વ્યાજદરો અને બેંકો દ્વારા ધિરાણ આપતા પહેલાની પ્રક્રિયા  વધુ કડક  બનતા નેગેટિવ ઇકવીટીની પરિસ્થિતિ પેદા થઇ છે. 
" રિઝર્વ બેંક દ્વારા દરોમાં બદલાવ હજુ થવાનો બાકી છે, બેંકો દ્વારા આ બદલાવ કરવામાં આવ્યો છે. જયારે રિઝર્વ બેંક દ્વારા દરોમાં વધારો કરવામાં આવશે ત્યારે લોન કે ઋણ લેનારને વધુ તકલીફ થશે." - બીરેન જોશી
આ ઉપરાંત તેઓ ઉમેરે છે કે મોર્ગેજ - લોનની ચિંતાના વધવાનું એક અન્ય પ્રાથમિક કારણ છે ઇન્ટરેસ્ટ ઓનલી  લોન.  આ પ્રકારની લોન  ખુબ ચલણમાં છે, અને આ પ્રકારની લોનનો સમય વર્ષ 2018 થી 2022 માં પૂર્ણ થવાનો છે.

મોર્ગેજની ચિંતા ઓછી કરવા શું કરવું?

શ્રી બીરેન જોશી જણાવે છે કે, " આ વિષય પર અંતિમ અહેવાલ કેનબેરા યુનિવર્સીટી અને  સેન્ટર ઓફ  પોલિસી ડેવલપમેન્ટ  દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે  ઘણા ઓસ્ટ્રેલિયનો લોનની ભરપાઈ કરવાની ક્ષમતા વિષે અતિ આત્મવિશ્વાસુ છે. આપણે ભવિષ્યમાં કશું ખોટું થાય તેવી સંભાવનાઓ પર ખાસ ધ્યાન નથી આપતા. "
Stress
Source: CC0 Creative Commons Pixaby
શ્રી બીરેન જોશી જણાવે છે કે  કોઈપણ લોન કે તેની ભરપાઈ કરવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ચિંતા કે તણાવમુક્ત ન  હોઈ શકે, પણ કેટલીક સાવચેતી કે આગમચેતી રાખી પરિસ્થિતિ સહેજ હળવી જરૂર બનાવી શકાય છે.

1. રક્ષાકવચ તૈયાર કરવું

રક્ષાકવચ કદાચ ભારી શબ્દ લાગશે, પણ અહીં તેનો મતલબ છે કે બચત કરવી. મોર્ગેજ ઓફસેટ એકાઉન્ટમાં પુંજી જમા કરવી - આરક્ષિત કરવી સલાહ ભર્યું છે. આ પુંજી અમુક અનપેક્ષિત સંજોગો  જેવાકે  બીમારી, રોજગાર છૂટી જવો, વગેરેમાં મોર્ગેજ - લોનની ચુકવણી કરવામાં મદદરૂપ થશે.

2. વીમો

મોટાભાગના તમામ સંજોગોમાં વીમો એ આગ્રહનો વિષય છે, તેમ અહીં પણ વિવિધ પ્રકારના વીમા મોર્ગેજ - લોનની ચિંતા ઓછી કરવામાં ઉપયોગી નીવડી શકે છે.  કોઈપણ વીમા અંગે નિર્ણય કરતા પહેલા વ્યક્તિએ તેની બેંક કે વીમા એજન્ટ કે ફાયનાશિયલ પ્લાનરની સલાહ જરૂર લેવી. અહીં જે માહિતી છે તે ઉદાહરણરૂપે  છે - 

ઇન્કમ પ્રોટેક્શન વીમો-
ઇન્કમ પ્રોટેક્શન વીમાની મદદ થી જો વ્યક્તિ માંદગી કે ઇજાના કારણે કામ - નોકરી ન કરી શકે, તો તેની આવકના  75% જેટલી આવક તેને મળી શકે છે. આ વીમાના  કારણે વ્યક્તિના રોજબરોજના ખર્ચ અને લોનની ચુકવણીને પહોંચી શકાય છે 

ગંભીર બીમારી વીમો -
ગંભીર બીમારી જેમકે  હાર્ટ એટેક, કેન્સર વગેરે જેની સારવાર  લાંબી ચાલે છે અને ખર્ચ પણ વધુ હોય છે, તેવી બીમારીઓ સામે લેવામાં આવેલ વીમાથી પણ માંદગીના સમયે આર્થિક રીતે રાહત રહે છે.

સંપૂર્ણ અને કાયમી વિકલાંગતા વીમો -
સંપૂર્ણ અને કાયમી વિકલાંગતા  વીમાની મદદથી પણ મોર્ગેજ કે લોનની ચૂકવણીમાં સહેજ રાહત રહે છે, આ વીમો ત્યારે કામ લાગે જયારે વ્યક્તિ મોટાભાગે અને કાયમી વિકલાંગતાનો ભોગ બને. મોટાભાગે આ વીમો ટ્રેડિસ  લેતા હોય છે.

જીવન વીમો -
ઘણા જીવન વીમાની શરતો મુજબ વ્યક્તિના અચાનક મૃત્યુ બાદ તેમના પરિવારને આર્થિક મદદ મળે છે, આ સાથે મોર્ગેજ કે લોનની ચૂકવણીમાં પણ મદદ મળે છે.
Mortgage Insurance

3. મોર્ગેજ પ્રોટેક્શન વીમો

શ્રી બીરેન જોશી હસતા હસતા કહે છે કે "આપ કહેશો કે ફરી વીમાની વાત કરું છું. પણ હું આ વિમાની આગ્રહભરી સલાહ આપું છું. આ વીમાનું નામ જ તેના ગુણ જણાવે છે. આજકાલ મોટાભાગની તમામ બેંકો મોર્ગેજ - લોન લ્યો એટલે સાથે જ આ વીમાની ઓફર કરે છે."

આ વીમાનું મહત્વ એટલે પણ છે કે વ્યક્તિ તેની હોમ લોનના અમુક ભાગ જેટલી અને અમુક સમય સુધી આ વીમો પોતાની અનુકૂળતા પ્રમાણે લઇ શકે છે.

4. વ્યાજ દર

વ્યાજ દર  ફિક્સ રાખવા કે વેરિયેબલ, આ એક ખુબ જ ચર્ચિત પ્રશ્ન છે. ફિક્સ વ્યાજદર થી માનસિક શાંતિ રહે છે અને પોતાના બજેટ અંગે ધ્યાન  રાખી શકાય છે.  વળી , વધતા વ્યાજદરોથી પણ બચી શકાય છે.  પણ આ બાબતનું એક જ નકારાત્મક પાસું છે  કે વ્યક્તિ જો વધારે રકમ લોનની ચૂકવણીમાં આપવા ઈચ્છે તો તે નથી કરી શકતી. આથી મોટાભગના લોકો પોતાની ક્ષમતા મુજબ ફિસ્ક અને વેરિયેબલ લોનની સંયુક્ત જોગવાઈ રાખે છે.

5. ક્રેડિટ કાર્ડ્સ

આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોર્ગેજ કે લોનની ચૂકવણીમાં લોકો કરતા હોય છે. પણ આ વાત તો એમ થઇ કે, " એક કરજની ભરપાઈ બીજા કરજ સાથે કરવી" આમ કરવાથી પરિસ્થિતિ વધુ ગુંચવાશે. 

આ સાથે સલાહ આપતા બીરેન જણાવે છે કે નિયમિત રીતે વ્યક્તિએ પોતાની પરિસ્થિતિની સમીક્ષા કરવી.
" જો આપને લાગે કે (આર્થિક દ્રષ્ટિએ) કશુંક ઠીક નથી કે અમુક સંકેત યોગ્ય નથી લગતા તો તુરંત જ ગભરાવાની જરૂર નથી. જરૂર છે મદદ માંગવાની. વ્યક્તિએ પોતાની બેંક કે પોતાના એજન્ટ નો સમ્પર્ક કરવો જોઈએ."
શ્રી જોશી સાથે એમ પણ ઉમેરે છે કે પરિસ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા જો મદદ માંગવામાં આવે તો તેમાંથી બહાર આવવાના ઘણા વિકલ્પો મોજુદ છે.


Share
Published 10 September 2018 4:56pm
Updated 18 September 2018 12:41pm
By Harita Mehta


Share this with family and friends