પર્થ એરપોર્ટ પર ધરપકડ કરાયેલા ભારતીય વિદ્યાર્થીને સજાનું એલાન

ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓ દ્વારા તપાસ કરતા તેની પાસેથી બાળશોષણને લગતી કેટલીક સામગ્રી મળી હતી. કોર્ટે તેને આઠ મહિનાની જેલની સજા ફટકારી.

An Indian student arrested at Perth airport.

Indian student at Perth airport on Tuesday. Source: Supplied/ABF

મોબાઇલ ફોનમાં બાળશોષણને લગતી કેટલીક સામગ્રી સાથે ઝડપાયેલા ભારતીય વિદ્યાર્થીને સજાનું એલાન કરવામાં આવ્યું છે અને તેની સજા પૂરી થયા બાદ તરત જ તેને વતન પરત મોકલી દેવામાં આવશે.

21 વર્ષીય વિદ્યાર્થીને પર્થ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બુધવારે હાજર કરવામાં આવ્યો હતો અને તેને કસ્ટમ્સના કાયદા પ્રમાણે પ્રતિબંધિત સામગ્રી લાવવાના ગુના હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

ગુરુવારે બપોરે, મેજિસ્ટ્રેટ સ્ટીફન વિલ્સને તેને આઠ મહિનાની સજાનું એલાન કર્યું હતું. તેને સજા દરમિયાન યોગ્ય વર્તન કરવાની શરત સાથે 5000 ડોલરની રકમના બોન્ડ ભરવાનું જણાયું છે. સજા દરમિયાન સારું વર્તન દાખવવા બદલ તેની સજા ચાર મહિનાની થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે આ અઠવાડિયાની શરૂઆતમાં પર્થ એરપોર્ટ પર તપાસ કરતા તેની પાસેથી બાળશોષણને લગતી નવ વિડીયો તથા છ ફોટોગ્રાફ મળ્યા હતા. ત્યાર બાદ ફરજ પરના અધિકારીઓએ તેનો મોબાઇલ ફોન જપ્ત કરી લીધો હતો અને તેના વિસા રદ કરી દીધા હતા.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના કમાન્ડર રોડ ઓ'ડોનેલે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં પ્રવેશી રહેલા પ્રવાસીઓમાં બાળશોષણને લગતી સામગ્રી પકડાવાના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. અમારા અધિકારીઓ તમામ પ્રકારની ગતિવિધીઓ પર નજર રાખે છે અને જો કોઇ વ્યક્તિ સંદિગ્ધ જણાય કે તેની પાસેથી ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત વસ્તુ હોવાની શંકા લાગે તો તેઓ તેમની પૂછપરછ કરે છે.

બાળશોષણને લગતી ચીજવસ્તુઓ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવી અટકાવવી તે અમારો મુખ્ય ધ્યેય છે અને જે લોકો સમાજ માટે એક ભય ઉભો કરે છે તેને રોકવા માટે કટિબદ્ધ છીએ.

Share
Published 12 October 2018 4:41pm


Share this with family and friends