કેટલાક વિસાધારકોએ COVID-19 ની રસી માટે નાણા ચૂકવવા પડશે

ઓસ્ટ્રેલિયન નાગરિક, પર્મેનન્ટ રેસીડન્ટ્સ અને મોટાભાગની વિસાશ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોને કોરોનાવાઇરસની રસી મફતમાં મળશે પરંતુ, લગભગ 65,000 જેટલા અન્ય વિસાધારકોને રસીકરણ માટે નાણા ચૂકવવા પડશે.

Visa holders who may have to pay for COVID-19 vaccine

Visa holders who may have to pay for COVID-19 vaccine. Source: Aleksei Poprotski/Pexels

ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા આગામી સમયમાં કોરોનાવાઇરસની રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં ઓસ્ટ્રેલિયાના નાગરિકો, પર્મેનન્ટ રેસીડન્ટ્સ અને મોટાભાગના અન્ય વિસાધારકોને તે મફતમાં આપવામાં આવશે.

પરંતુ કેટલીક વિસાશ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા વિસાધારકોને તે લાભ મળશે નહીં. સબક્લાસ 600 (ટુરિસ્ટ વિસા), સબક્લાસ 771 (ટ્રાન્સિસ્ટ), 651 (ઇ-વિઝીટર) તથા 601 (ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરિટી) વિસા હેઠળના લોકોને આ મફત રસી આપવાની યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. અને, રસી લેવા માટે તેમણે નાણા ચૂકવવા પડશે.

ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના આંકડા પ્રમાણે, હાલમાં લગભગ 69,000 જેટલા લોકો આ વિસા અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં છે.
મૂળ ઇટાલીના અને વિઝીટર વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા એલેસાન્દ્રાએ SBS Italian ને જણાવ્યું હતું કે મારા પતિ ઓસ્ટ્રેલિયાના નાગરિક હોવાના નાતે તથા ઓસ્ટ્રેલિયા અને ઇટાલીની સરકારના પારસ્પરીક કરાર અંતર્ગત મને પણ મફતમાં રસી લેવાનો લાભ મળવો જોઇએ.

બીજી તરફ, ભારતીય નાગરિક રાજેશ કુમાર હાલમાં વિઝીટર વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ રસી લેવા માટે નાણા આપવા તૈયાર છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં હાલમાં રસીકરણ શરૂ થયું છે પરંતુ સમગ્ર વસ્તીને તે પૂરી પાડવામાં ઘણો સમય લાગી શકે તેમ છે. તેથી જ જો ઓસ્ટ્રેલિયામાં રસીકરણ કરવામાં આવશે તો હું નાણા ભરીને પણ રસી મૂકાવીશ.

કોરોનાવાઇરસની રસીનો ખર્ચ કેટલો થશે

ઓસ્ટ્રેલિયન ટેક્નીકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇસેશનની યાદી મુજબ, આરોગ્ય અને એજ કેર કર્મચારીઓ, ડીસેબિલીટી સપોર્ટ વર્કર, ક્વોરન્ટાઇન વર્કર, એબઓરિજીનલ તથા ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર તથા વાઇરસનું જોખમ ધરાવતા લોકો અને વૃદ્ધોને રસીકરણ માટે પ્રાથમિકતા અપાશે.

ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થે વિઝીટર વિસાધારકોની પ્રાથમિકતા તથા તેમના રસીકરણ માટે કેટલો ખર્ચ થશે તે અંગે કોઇ ટીપ્પણી કરી નથી.

ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે, ફાઇઝર - બાયોનટેકે અમેરિકામાં રસીના પ્રથમ ડોઝની કિંમત 19.5 અમેરિકન ડોલર નક્કી કરી છે. દરેક વ્યક્તિએ બે ડોઝ લેવા જરૂરી હોવાથી તેની કિંમત 39 ડોલર જેટલી થશે. એસ્ટ્રાઝેનેકાની રસી 3 કે 4 અમેરિકન ડોલરમાં પડે તેવી માહિતી છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન સરકારે ફાઇઝર - બાયોનટેકના 10 મિલિયન ડોઝ ખરીદ્યા છે. જેની TGA પાસેથી મંજૂરીની રાહ જોવાઇ રહી છે. આ ઉપરાંત, એસ્ટ્રાઝેનેકાની રસીના 54 મિલીયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેમાં 3.8 મિલીયનની આયાત થશે જ્યારે લગભગ 50 મિલિયન ડોઝ ઓસ્ટ્રેલિયામાં ઉત્પાદિત કરાશે.

Share
Published 18 January 2021 2:28pm
By Francesca Valdinoci
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends